હું શોધું છું

હોમ  |

આપના પ્રશ્‍નો-અમારા ઉત્તર
Rating :  Star Star Star Star Star   

નાગરિક સંરક્ષણ દળમાં દાખલ થતાં પહેલાં અવાર-નવાર ઉદ્ભવતા પ્રશ્નો :

(૧)    નાગરિક સંરક્ષણ દળ એટલે શું ?

નાગરિક સંરક્ષણ દળ એ નાગરિકોનું સ્‍વૈચ્છિક તાલીમબધ્ધ સંગઠન છે. જે જુદી જુદી આપત્તિઓ જેવી કે યુધ્ધ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભયંકર રોગચાળો, મોટી આગ કે અન્‍ય મોટા અકસ્‍માત, કોમી દંગલો, આતંકવાદી હુમલાઓ, હવાઈ હુમલાઓ, ગેસગળતર વગેરેમાં સ્‍થાનિક સરકારી તંત્ર સાથે સંકલન કરીને તાત્‍કાલિક રીતે પ્રજાને બચાવ રાહત પહોંચાડનારૂ દળ છે.

(૨)    નાગરિક સંરક્ષણ દળમાં શા માટે જોડાવું જોઈએ ?

નાગરિકોએ સામાન્‍ય રીતે જાગ્રત રહેવું જોઈએ. કેમ કે, આજે યુધ્ધ સીમાડા પૂરતાં મર્યાદિત રહ્યાં નથી. ઘરઆંગણે પણ આતંકવાદી હુમલાઓ તથા કોમી એખલાસ તોડી સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત કરી નાંખે છે. આ સંજોગોમાં દુશ્‍મન દેશ કે આતંકવાદી સંગઠનનાં નાપાક ઇરાદાઓને નાકામિયાબ બનાવવા નાગરિક સંરક્ષણ દળ આ સામે કઈ રીતે બચાવ કરવો તે અંગેની સામાન્‍ય પ્રાથમિક તાલીમ આપે છે. જેથી કોઈ પણ પ્રકારની આપત્તિમાં સ્‍વબચાવ કરી અન્‍ય પડોશી તથા પ્રજાના જાનમાલનું પણ રક્ષણ કરી શકાય. તે માટે નાગરિક સંરક્ષણ દળમાં જોડાવું જરૂરી છે.

(૩)    શું નાગરિક સંરક્ષણ દળમાં સામાન્ય નાગરિક જોડાઈ શકે ?

હા, જે ભારતીય નાગરિકત્‍વ ધરાવતા હોય અને વધુમાં વધું ધોરણ-૪નો અભ્‍યાસ કર્યો હોય, માનસિક અને શારીરિક રીતે સ્‍વસ્‍થ્‍ય હોય તેવી કોઈ પણ ઉંમરની વ્‍યક્તિ યુવાન, યુવતી, સ્‍ત્રી, પુરૂષ એક સરળ ‘‘ફોર્મ-ક’’ ભરી ખૂબજ સરળતાથી નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ શકે છે.

(૪)    નાગરિક સંરક્ષણ દળમાં જોડાવવાથી શો ફાયદો થાય ?

સામાન્‍ય નાગરિક જે સ્‍વદેશાભિમાની હોય, રાષ્‍ટ્રવાદી હોય અને દેશની સેવા કરવામાં ગૌરવ અનુભવતો હોય, તે માટે લશ્‍કર કે અન્‍ય દળમાં જોડાયા વિના રાષ્‍ટ્રની સેવા કરવાનું ગૌરવ પ્રાપ્‍ત થાય છે. નાગરિક સલામત તો દેશ સલામત. કોઈ પણ પ્રકારની આપત્તિ કે યુધ્ધમાં પોતાનો બચાવ કરી કુટુંબના બીમાર, અશક્ત, ઘરડા કે નાનાં બાળકોને સારી રીતે બચાવી શકીએ તે જ આપણો મોટામાં મોટો ફાયદો છે.

(૫)    નાગરિક સંરક્ષણ દળમાં ભરતી એ સરકારી છે ?

હા, નાગરિક સંરક્ષણ દળમાં ભરતી એ સરકારી છે અને તે સરકારના નિયુક્ત અધિકારીઓ તાલીમ આપી જુદી જુદી સેવામાં ભરતી કરે છે. પરંતુ સંપૂર્ણપણે સ્‍વૈચ્છિક સંગઠન હોઈ તાલીમ આપેલ નાગરિકો (સ્‍વયંસેવક)ને ફરજિયાતપણે સેવા કરવાની ફરજ પાડી શકાય નહીં કેમ કે આ માનદ સેવા છે.

(૬)    નાગરિક સંરક્ષણ દળમાં જોડાયા બાદ શારીરિક નુકસાન થાય તો કોણ જવાબદાર ?

નાગરિક સંરક્ષણ દળમાં સ્‍વયંસેવક તરીકેની સ્‍વૈચ્છિક નિમણૂંક માનદ સેવા કરવા માટે કરવામાં આવતી હોઈ, કોઈ પણ પ્રકારની સેવામાં શારીરિક નુકશાન થાય તેની કોઈ જવાબદારી નાગરિક સંરક્ષણ દળની રહેતી નથી.

(૭)    નાગરિક સંરક્ષણ દળમાં જોડાવાથી એન.સી.સી કે રમતગમત ક્ષેત્ર જેવો ફાયદો કોઈપણ નોકરીના ક્ષેત્રમાં થાય ?

નાગરિક સંરક્ષણ દળ એ રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કાર્યરત છે. જેનું પ્રાથમિક તાલીમ પાસ કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે પ્રમાણપત્ર રજૂ કરી શકાય છે.

(૮)    નાગરિક સંરક્ષણ દળની બચાવ કામગીરી લશ્કરી પ્રકારની છે ?

નાગરિક સંરક્ષણ દળની બચાવ કામગીરી સંપૂર્ણપણે લશ્‍કરી પ્રકારની નથી, પરંતુ નાગરિક સંરક્ષણ દળના સ્‍વયંસેવકો સ્‍વૈચ્છિક રીતે કોઈ પણ પ્રકારની આપત્તિમાં સૌપ્રથમ બચાવની કામગીરી કરનાર દળ છે. નાગરિક સંરક્ષણ દળથી પ્રાથમિક બચાવની કામગીરી કરી શકાય છે.

(૯)    નાગરિક સંરક્ષણ દળ કુદરતી આપત્તિઓમાં પ્રજાની કઈ રીતે મદદ કરી શકે અને હું તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકું ?

જુદીજુદી આપત્તિઓ વખતે કઈ રીતે બચાવ કામગીરી કરવી તેની નાગરિક સંરક્ષણ દળમાં તાલીમ આપવામાં આવે છે. જેથી સૌપ્રથમ સ્‍વરક્ષણ કરી અન્‍યને બચાવી શકાય છે અને સ્‍થાનિક તંત્રને મદદ કરી શકાય છે.

(૧૦)    નાગરિક સંરક્ષણ દળમાં જોડાવાથી ગણવેશ મળે ? કેવા પ્રકારનો ?

નાગરિક સંરક્ષણ દળમાં જોડાયેલા સ્‍વયંસેવકને ગણવેશમાં ફલોરેસન્ટ પીળા રંગનો બીબ, જેના આગળના ભાગે બન્ને બાજુ એક એક પોકેટ તથા ગળાનો આકાર “V” શેપનો હોવો જોઈએ, બીબના પાછળના ભાગે ફલોરોસેન્ટ કલરમાં Civil Defence લખેલુ હોય છે, તેમજ નાગરિક સંરક્ષણના વોર્ડન માટે જેકેટ જેના આગળના ભાગે જમણી બાજુ છાતીના ભાગે એક નાનુ પોકેટ અને નીચેની બન્ને બાજુ એક એક પોકેટ તથા પાછળના ભાગે ફલોરોસેન્ટ કલરમાં Civil Defence લખેલુ હોય છે. વોર્ડનની રેંકની ઓળખ માટે જેકેટમાં સોલ્ડર ફલેપ તેમજ જેકેટના આગળના ભાગે મેટાલીક ચેન હોય છે તેમજ ગ્રે કલરની સ્પોર્ટસ કેપ જેના આગળના ભાગે સીવીલ ડિફેન્સનો લોગો હોય છે.

(૧૧)    નાગરિક સંરક્ષણ દળમાં જોડાયા બાદ કયા કયા પ્રકારની પદવીઓ મળી શકે ?

નાગરિક સંરક્ષણમાં જોડાયા બાદ સેક્ટર વોર્ડન, પોસ્‍ટ વોર્ડન, ડેપ્‍યુટી ડિવિઝનલ વોર્ડન, ડિવિઝનલ વોર્ડન, ડેપ્‍યુટી ચીફ વોર્ડન, ચીફ વોર્ડન વગેરે તથા સ્‍ટાફ ઓફિસર (કેઝ્યુલિટી ટીમ, વોર્ડન સેવા).

(૧૨) નાગરિક સંરક્ષણમાં ભરતી થવા માટે શું લાયકાત હોવી જોઈએ ?

  • તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તેણે ૧૮ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. પરંતુ સત્તા ધરાવતા અધિકારી સ્વવિવેકનુસાર નાગરિક સંરક્ષણ દળ લઈને અથવા વર્ગ માટે આ વયમયાર્દામાં વધુમાં વધુ ૩ વર્ષ સુધી છૂટછાટ આપી શકે.
  • વ્યક્તિ વધુમાં વધુ ચોથું ધોરણ પાસ થયેલી હોવો જોઈએ.

(૧૩)    નાગરિક સંરક્ષણ દળમાં કોણ ભરતી થઈ શકે ?

પુરુષ તથા સ્ત્રી નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ શકે છે.

(૧૪)    નાગરિક સંરક્ષણ દળમાં બઢતી માટેની શી લાયકાત હોવી જોઈએ ?

કામગીરીની કુશળતા, કાર્યદક્ષતા, અનુભવ ધરાવતા હોવો જોઈએ. નાગરિક સંરક્ષણ દળમાં બઢતી પાત્રતા મુજબ જે તે જિલ્લાના કચેરીના વડા એટલે કે નિયંત્રક, નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોતાના સ્વવિવેકાનુસાર બઢતી આપી શકે છે.

(૧૫)    ભરતી થવા માટે કોને મળવું ?

નાગરિક સંરક્ષણ દળમાં ભરતી થવા માટે જે તે જિલ્લામાં આવેલી નાગરિક સંરક્ષણ કચેરીના નિયંત્રક (નાયબ નિયંત્રક) અથવા ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર(પોલીસ ઇન્સ્પેક્ટર)નો સંપર્ક સાધવો.

(૧૬)    માનદ વેતન કેટલું મળે ?

નાગરિક સંરક્ષણ દળ એ એક માનદ સેવા આપતું દળ છે. તેમાં કોઈ પણ પ્રકારનું માનદ વેતન ચૂકવવામાં આવતું નથી. કટોકટી ઉપસ્થિત થાય ત્યારે ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે જ પ્રતિદિન રૂપિયા ૧૫૦ લેખે માનદ ભથ્થું ચૂકવવામાં આવે છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-01-2021